સચિન GIDC નજીકથી પસાર થતા હજીરા-પલસાણા રોડ પર મોડી રાત્રે એક કાળજું કંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે અચાનક જ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેને કારણે બેકાબૂ બનેલી કાર હાઇવેની સાઇડમાં આવેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રેલિંગ કારની આરપાર નીકળી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને કારનો અંદરના ભાગ સુધી કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


હજીરા-પલસાણા રોડ પર ભયાનક અકસ્માત

અકસ્માતની તીવ્રતા જોતા એમ જ લાગતું હતું કે કારમાં સવાર લોકો માટે આ જીવલેણ સાબિત થયો હશે. જોકે, આ ભયાનક દુર્ઘટનામાં એક મોટો ચમત્કાર જોવા મળ્યો હતો. કારનો લોચો વળી ગયો હોવા છતાં તેમાં સવાર તમામ લોકોનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, માત્ર કારમાં સવાર લોકોને સામાન્ય નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

સચિન GIDC પાસે કારનો કચ્ચરઘાણ

ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના કે મોતના સમાચાર ન આવતા લોકો અને વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના અંગે સચિન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને રોડ પરથી બાજુ પર ખસેડી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: મોટેરામાં સરકારી જમીન પર બનેલા આસારામ આશ્રમના સાધકોના 36 મકાનોનું ડિમોલિશન

  • Follow us on: