સુરતના દાંડી રોડ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલી નેહરમાં ખાબકી હતી. કારમાં સવાર ચાર લોકો નેહરના પાણીમાં ફસાતા એક તબક્કે ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં કાર નહેરમાં ખાબકી
ઘટના મોડી રાત્રિની હોવા છતાં, કાર નેહરમાં પડવાનો અવાજ આવતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાર પાણીમાં ડૂબી રહી હતી અને અંદર સવાર લોકો બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ગ્રામજનોએ જરા પણ વિલંબ કર્યા વગર નેહરમાં ઉતરીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને કારમાં ફસાયેલા ચારેય લોકોને એકપછી એક સહીસલામત બહાર કાઢી લીધા હતા.
ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા
સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં સવાર ચારેય વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોની સમયસૂચકતા અને તાત્કાલિક મદદને કારણે ચારેયના જીવ બચી ગયા હતા. અકસ્માત કયા કારણોસર સર્જાયો - કાર ચાલકની ઊંઘને કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને લીધે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:Jetpur: જેતલસર રેલવે પુલ પર અકસ્માતમાં કારના બે ટુકડા, જૂનાગઢ મેળામાંથી પરત ફરતા યુવક-યુવતીનું મોત