સુરતના ભેસ્તાન વિસ્તારમાં ધાક-ધમકી અને લૂંટ ચલાવતી કુખ્યાત "દાલ ચાવલ" ગેંગ પર આખરે કાયદાનો ગાળિયો કસાયો છે. સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર, ભેસ્તાન પોલીસે આ ગેંગના આતંકને ડામવા માટે ગેંગના પાંચ સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOK) હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

જાણીતા ગુનેગાર ઇમરોઝ ઉર્ફે 'દાલ ચાવલ' ની ધરપકડ

આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ છે. ઇમરોઝ અને તેની ટોળકી લાંબા સમયથી ભેસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતી. પોલીસે આ ગેંગના લીડર ઇમરોઝ સહિત કુલ પાંચ આરોપીઓને જેલભેગા કરી દીધા છે. આ કાર્યવાહીથી વિસ્તારના ગંભીર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગેંગનો મોડસ ઓપરેન્ડી અને ગુનાહિત ઇતિહાસ

દાલ ચાવલ ગેંગ વિરુદ્ધ પોલીસ ચોપડે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ મુખ્યત્વે નીચે મુજબની પ્રવૃત્તિઓમાં સામેલ હતી. સામાન્ય નાગરિકો પર જીવલેણ હુમલા કરવા. લોકોની મિલકતો પચાવી પાડવા માટે ધમકી આપવી. ખંડણી ઉઘરાવવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનો માહોલ ઉભો કરવો.

પોલીસની કડક કાર્યવાહી

ભેસ્તાન પોલીસે આ ગેંગના સંગઠિત ગુનાખોરીના પુરાવા એકત્ર કરી ગુજસીટોક જેવો કડક કાયદો લાદ્યો છે. આ કાયદા હેઠળ આરોપીઓને જામીન મળવા મુશ્કેલ બને છે. પોલીસ હવે આ ગેંગના અન્ય કોઈ સાગરીતો કે તેમને આર્થિક મદદ કરનારા લોકોની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: અમિત શાહે ફાર્માસ્યુટિકલ એકેડેમી ‘PAGE’ નો શિલાન્યાસ કર્યો, ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના 25 વર્ષની ઉજવણી