સુરતના સરથાણા વિસ્તારમાં યોગીચોક પાસે મહાનગરપાલિકાની પાણીની ટાંકી પર કેટલાક નાના બાળકો પતંગ લેવા માટે ચઢી ગયા હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ ગંભીર બેદરકારીનો વીડિયો કોઈ સ્થાનિક રહીશે મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જીવના જોખમે પતંગનો મોહ

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળકો ખૂબ જ ઊંચી પાણીની ટાંકીની ઉપરની ધાર પર ફસાયેલો પતંગ લેવા માટે ફરે છે. થોડી પણ ભૂલ કે સંતુલન બગડવાને કારણે બાળકો નીચે પટકાય અને જીવ ગુમાવે તેવી પૂરેપૂરી શક્યતા હતી. પતંગ લેવાના ચક્કરમાં બાળકોએ પોતાના જીવની પરવાહ કરી ન હતી, જે દ્રશ્યો જોઈને રાહદારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

તંત્ર અને સુરક્ષા સામે સવાલ

આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે,સરકારી મિલકત અને જોખમી એવી પાણીની ટાંકી પર બાળકોને પ્રવેશ કઈ રીતે મળ્યો? શું ટાંકીના દરવાજા ખુલ્લા હતા? જો સિક્યુરિટી ગાર્ડ તૈનાત હોય તો બાળકો ઉપર કેવી રીતે પહોંચી ગયા?  જો આ દરમિયાન કોઈ બાળકને ઈજા પહોંચી હોત કે જાનહાનિ થઈ હોત, તો તેની જવાબદારી કોર્પોરેશન લેત કે વાલીઓ?

પાણીની ટાંકી પર બાળકો પતંગ લેવા માટે ચઢી ગયા

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ હવે સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ મામલે કડક તપાસની માંગ કરવામાં આવી છે. પાણીની ટાંકીના દાદર કે પ્રવેશદ્વારને તાળાબંધી રાખવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવે તે જરૂરી છે. વાલીઓએ પણ પોતાના બાળકો ક્યાં જાય છે અને કેવા જોખમી કામ કરે છે તેની તકેદારી રાખવા માટે આ ઘટના લાલબત્તી સમાન છે.

આ પણ વાંચો: પાટીદાર સમાજ હવે 'સામાજિક બંધારણ' દ્વારા રીત-રિવાજોમાં કરશે મોટા ફેરફાર