સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત ભવન નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમમાં સામાજિક સુધારાના મંડાણ થયા છે. આ પ્રસંગે ઉપસ્થિત પાટીદાર અગ્રણીઓ અને  ઉમિયાધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ સમાજને નવી દિશા આપવા માટે સામાજિક બંધારણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


શા માટે જરૂરી છે સામાજિક બંધારણ?

જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે આર્થિક રીતે ખૂબ પ્રગતિ કરી છે, પરંતુ હવે આ વિકાસને ટકાવી રાખવા અને નવી પેઢીને સુરક્ષિત કરવા માટે રીત-રિવાજોમાં ફેરફાર અનિવાર્ય છે. તેમના સંબોધનના મુખ્ય અંશો.  સમાજના લોકો પ્રસંગોમાં થતા અંધાધૂંધ ખર્ચ અને દેખાડામાંથી બહાર આવે તે જરૂરી છે.દીકરા-દીકરીઓમાં કૌટુંબિક અને સામાજિક સંસ્કારો જળવાઈ રહે તે બંધારણનો મુખ્ય હેતુ રહેશે.બદલાતા સમય સાથે ઉભા થતા નવા સામાજિક પ્રશ્નો અને વિવાદોને અટકાવવા માટે લેખિત નીતિ-નિયમો હોવા જરૂરી છે.

કેવી રીતે અમલમાં આવશે આ બંધારણ?

આ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવશે. જેરામભાઈએ સ્પષ્ટ કર્યું કે, કમિટીના તમામ સભ્યોના પાસાઓ અને વિચારોને ધ્યાનમાં રાખીને આગળ વધવામાં આવશે. આ વિચારને કડવા અને લેઉવા પાટીદાર બંને સમાજના અગ્રણીઓએ સમર્થન આપ્યું છે.

સર્વસંમતિથી લેવાશે નિર્ણય

સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ, સુરતના પ્રમુખ ભગવાનદાસ સવસાણીએ જણાવ્યું કે, મથુરભાઈ સવાણીએ અગાઉ બંધારણનું એલાન કર્યું છે, પરંતુ હાલમાં સમાજના વિવિધ વર્ગોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. જો સમાજના તમામ લોકો સહમત થશે, તો જ આ બંધારણને આખરી ઓપ આપીને અમલી બનાવવામાં આવશે.

આ પણ વાંચો:કેશોદમાં પાણીના ટેન્કર સાથે કાર અથડાતા અકસ્માત, એક યુવકનું મોત


  • Follow us on: