સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે 'કરુણા અભિયાન' હેઠળ પક્ષીઓને બચાવવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વર્ષે પતંગની કાચ પાયેલી દોરીના કારણે આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ મોટા પ્રમાણમાં ભોગ બન્યા છે. અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 825 પક્ષીઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જોકે, અત્યંત દુખદ બાબત એ છે કે ગંભીર ઇજાઓના કારણે 95 જેટલા અબોલ પક્ષીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. શહેરમાં ઠેર-ઠેર પક્ષીઓ ઘાયલ અવસ્થામાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.
અબોલ જીવો માટે સંવેદના
પક્ષીઓની સુરક્ષા અને તાત્કાલિક સારવાર માટે ખાસ ઓપરેશન થિયેટરો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દિવસ-રાત સેવા આપી રહી છે. આ વર્ષે સૌથી વધુ કેસ પક્ષીઓની પાંખો કપાવાના નોંધાયા છે, જેમાં પતંગની તીક્ષ્ણ દોરી પક્ષીઓના હાડકાં અને માંસપેશીઓને ઊંડો ઘા કરી ગઈ છે. ઘણા પક્ષીઓ કાયમી ધોરણે ઉડવા માટે અક્ષમ બની ગયા છે. તંત્ર અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ન ચગાવે અને ઘાયલ પક્ષી દેખાય તો તુરંત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરે.
