સુરતમાં વનિતા વિશ્રામના મેદાનમાં આયોજિત મેળો વિવાદમાં ઘેરાયો છે. મેળાના આયોજકોએ કરેલી ખોટી જાહેરાતને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જેના કારણે મેળામાં હોબાળાના દૃશ્યો સર્જાયા હતા.
ફ્રી એન્ટ્રીની જાહેરાત, પછી ટિકિટ ઉઘરાણી
મેળાના આયોજકો દ્વારા શરૂઆતમાં 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન મેળામાં ફ્રી એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી હતી અને આ જાહેરાત સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી. 25 તારીખે મોટી સંખ્યામાં લોકો ફ્રી એન્ટ્રીની જાહેરાતને પગલે મેળામાં પહોંચ્યા હતા. જોકે, બીજા દિવસે (26 તારીખે) આયોજકો દ્વારા અચાનક લોકો પાસેથી એન્ટ્રી ટિકિટ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
લોકોનો વિરોધ અને બાઉન્સરોની દાદાગીરી
ફ્રી એન્ટ્રીની જાહેરાત બાદ અચાનક ટિકિટ લેવાના નિર્ણયથી લોકો ઉશ્કેરાયા હતા અને તેમણે આ બાબતે મોટો હોબાળો કર્યો હતો. મહિલાઓએ ટિકિટ ઉઘરાણીનો વિરોધ કરતાં મેળાના મહિલા બાઉન્સરોએ સ્થિતિ સંભાળવાના બદલે હાથમાં લાકડીઓ લઈને લોકોને ડરાવવાનો અને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આયોજકોએ સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાત કરીને લોકોને જાણી જોઈને ગેરમાર્ગે દોર્યા હોવાના આક્ષેપો લોકોએ કર્યા છે. આ સમગ્ર વિવાદ અને બાઉન્સરોની દાદાગીરીના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે, જેના કારણે આયોજકોની બેદરકારી સામે આવી છે.
આ પણ વાંચો: શિયાળામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત, પાકને નુકસાનની ભીતિ