જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીએ તાજેતરમાં કરેલા પ્રેમ લગ્નનો મામલો હવે શાંત પડવાને બદલે વધુ વકરી રહ્યો હોય તેમ જણાય છે. સુરતમાં એક લગ્ન સમારોહમાં ગાયિકા તરીકે પહોંચેલી આરતી સાંગાણીનો પાટીદાર યુવાનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું હતું. વિરોધ એટલો ઉગ્ર હતો કે આયોજકોએ તાત્કાલિક અસરથી આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરી અન્ય સિંગરને બોલાવવાની ફરજ પડી હતી.
કાર્યક્રમ સ્થળની બહાર યુવાનોનો હોબાળો
મળતી માહિતી મુજબ, સુરતમાં એક પાટીદાર પરિવારમાં લગ્ન પ્રસંગનું આયોજન હતું, જેમાં સંગીત સંધ્યા માટે આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવી હતી. જોકે, આરતી સાંગાણી કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો કાર્યક્રમ સ્થળની બહાર એકઠા થઈ ગયા હતા અને આરતીના પ્રેમ લગ્નનો વિરોધ નોંધાવતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.
પ્રેમ લગ્ન બાદ સમાજમાં રોષ
આરતી સાંગાણીએ તાજેતરમાં પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા છે, જેને લઈને પાટીદાર સમાજના કેટલાક સંગઠનો અને યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. વિરોધ કરી રહેલા યુવાનોનું કહેવું છે કે, આરતીના આ નિર્ણયથી સમાજમાં ખોટો સંદેશ ગયો છે, જેના કારણે તેઓ તેના જાહેર કાર્યક્રમોનો વિરોધ કરી રહ્યા છે.
આયોજકોએ લીધો મોટો નિર્ણય
લગ્ન પ્રસંગમાં કોઈ અઘટિત ઘટના ન બને અને પ્રસંગમાં વિઘ્ન ન આવે તે હેતુથી આયોજકોએ સમયસૂચકતા વાપરી હતી. બહાર થઈ રહેલા વિરોધને જોતા આયોજકોએ આરતી સાંગાણીને સ્ટેજ પર મોકલવાને બદલે તેનો કાર્યક્રમ તાત્કાલિક રદ કરી દીધો હતો. આરતીની જગ્યાએ તાબડતોબ અન્ય સિંગરની વ્યવસ્થા કરી કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સમારકામ માટે ઉકાઈ કેનાલ આજથી 35 દિવસ માટે બંધ, ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોના પાણીના સમયમાં ફેરફાર