સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ વિસ્તારમાં આવેલા તડકેશ્વર ગામે એક નિર્માણાધીન પાણીની ટાંકી લોકાર્પણ થાય તે પહેલા જ ધરાશાયી થઈ ગઈ છે. લાખો લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકી તૂટી પડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


ચકાસણી દરમિયાન જ સર્જાયો અકસ્માત

મળતી વિગતો અનુસાર, તડકેશ્વર ગામના દૂધ ડેરી વિસ્તારમાં નવી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ટાંકીની કુલ ક્ષમતા 11 લાખ લીટર હતી. ટાંકીનું કામ પૂર્ણતાના આરે હતું અને ટૂંક સમયમાં જ તેનું ઉદ્ઘાટન થવાનું હતું. ઉદ્ઘાટન પૂર્વે તેની મજબૂતી ચકાસવા માટે તેમાં પાણી ભરવાની કામગીરી ચાલી રહી હતી. ટાંકીમાં જ્યારે આશરે 7 લાખ લીટર જેટલું પાણી ભરવામાં આવ્યું, ત્યારે જ અચાનક ટાંકી ધડાકાભેર તૂટી પડી હતી.

સદનસીબે જાનહાનિ ટળી

ટાંકી ધરાશાયી થઈ ત્યારે આસપાસના વિસ્તારમાં પાણીના જોરદાર રેલા ફરી વળ્યા હતા. સદનસીબે જે સમયે આ દુર્ઘટના બની ત્યારે ટાંકીની નીચે કે તેની અત્યંત નજીક કોઈ મજૂર કે ગ્રામજન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જો આ ટાંકી લોકાર્પણ પછી અથવા ભરચક વિસ્તારમાં તૂટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

આ પણ વાંચો: બે કાર વચ્ચેના અકસ્માતે માસૂમનો જીવ લીધો, પિતા સાથે સ્કૂલે જઈ રહેલી 8 વર્ષની બાળકીનું મોત

  • Follow us on: