વડોદરામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. બે બેફામ દોડતી કાર વચ્ચે થયેલા અકસ્માતની અડફેટે એક નિર્દોષ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પિતા પોતાની લાડકવાઈને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા બનેલા વાહનોએ હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે.
વડોદરા બે કાર વચ્ચે અકસ્માતમાં બાળકીનું મોત
મળતી માહિતી મુજબ, વડોદરાના એક મુખ્ય માર્ગ પર બે કાર ચાલકોએ પૂરઝડપે વાહનો હંકારતા એકબીજા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારને પણ પોતાની અડફેટે લીધો હતો. આ બાઈક પર એક પિતા તેમની 8 વર્ષની દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. પિતા અને પુત્રી બંને રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બાળકીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સારવાર દરમિયાન માસૂમનું મોત
હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા બાળકીને બચાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાને કારણે ટૂંકી સારવાર બાદ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. ૮ વર્ષની માસૂમ દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જે દીકરી થોડી વાર પહેલા પિતા સાથે હસતા મુખે સ્કૂલે જવા નીકળી હતી, તેનો મૃતદેહ જોઈ પરિવારના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.
આ પણ વાંચો: Surat : મહિલાનો બિભત્સ વીડિયો વાયરલ કરનાર ઝડપાયો, મહિલાને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું










