સુરત શહેરમાં લુખ્ખા તત્વો અને વેપારીઓને ડરાવી-ધમકાવી ખંડણી કે લૂંટ ચલાવતા અસામાજિક તત્વો સામે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચે કડક ઝુંબેશ આદરી છે. આ અંતર્ગત સચિન વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલીને સુરત ક્રાઇમ બ્રાન્ચે 21 જેટલા વિવિધ ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા ગુનેગાર સુબોધ ધર્મેન્દ્રભાઈ રામાણીની ધરપકડ કરી લીધી છે.
માવો ખાઈને પૈસા માંગતા વેપારી પર તૂટી પડ્યો
આ કેસની વિગત એવી છે કે, થોડા દિવસો પૂર્વે આરોપી સુબોધ રામાણી સચિન વિસ્તારમાં આવેલા એક ફરિયાદીના પાનના ગલ્લા પર ગયો હતો. ત્યાં તેણે મફતમાં પાન-માવા ખાયા હતા. ગલ્લાના સંચાલકે જ્યારે કાયદેસરના પૈસા માંગ્યા, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે વેપારીને ગાળો ભાંડીને બેરહેમીપૂર્વક માર માર્યો હતો અને ઊલટાનું ધમકાવીને ગલ્લાના કાઉન્ટર (ગલ્લા) માંથી રોકડા રૂપિયા ૭ થી ૮ હજારની લૂંટ ચલાવીને બિન્દાસ્ત રીતે ફરાર થઈ ગયો હતો. આ અંગે સચિન પોલીસ મથકે ગુનો નોંધાતા જ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થઈ હતી.
