સુરતમાં ગુનાખોરીના નેટવર્ક હવે સાત સમુંદર પાર સુધી ફેલાયા છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે એક એવા ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેનું સંચાલન છેક સાઉથ આફ્રિકાથી કરવામાં આવતું હતું. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે જાળ બિછાવી હતી અને બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ સાહીદ અરાફત ઉર્ફે અલ્ફાજ રહેમાન શેખ, જુલકરનેન ગફાર સૈયદ છે.પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોંઘા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કેવી રીતે ચાલતું હતું આ 'ગ્લોબલ' નેટવર્ક?
આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ સાઉથ આફ્રિકામાં બેઠેલો જકવાન સૈયદ નામનો શખ્સ છે. તપાસમાં બહાર આવ્યું છે કે જકવાન સાઉથ આફ્રિકામાં રહીને સુરતના સ્થાનિક મોબાઈલ ચોરોના સંપર્કમાં રહેતો હતો. તે ચોરીના મોબાઈલ ફોન સસ્તા ભાવે ખરીદી લેતો અને ચોરોને તે ફોન સુરતમાં રહેતા તેના ભાઈ જુલકરનેન સૈયદને સોંપી દેવા સૂચના આપતો હતો. જ્યારે સુરતમાં ચોરીના મોબાઈલનો જથ્થો (આશરે 20-30 ફોન) ભેગો થાય, ત્યારે જકવાન આફ્રિકાથી ભારત આવતા-જતા માણસોનો સંપર્ક કરતો. તે કુરિયર તરીકે આ માણસો દ્વારા મોબાઈલ આફ્રિકા મંગાવી લેતો હતો.
અગાઉ 30થી વધુ ફોન આફ્રિકા મોકલાયા
પ્રાથમિક પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરી થયેલા 30 જેટલા મોબાઈલ ફોન સફળતાપૂર્વક સાઉથ આફ્રિકા મોકલી ચૂકી છે. વિદેશમાં ભારતીય મોબાઈલ ફોન ટ્રેસ કરવા મુશ્કેલ હોવાથી આરોપીઓ આ પદ્ધતિ અપનાવતા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે હાલ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં બીજા કેટલા સ્થાનિક ચોરો સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કુલ કેટલા રૂપિયાના ફોન વિદેશ મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વાસણામાં SMCનો સપાટો, 41.50 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ