ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓ આચરતા ઠગો સામે સુરત સાયબર ક્રાઇમ સેલે લાલ આંખ કરી છે. સુરત શહેરમાં ચાલતા સાયબર સ્કેમ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે 'ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0' શરૂ કર્યું છે. આ ખાસ ડ્રાઈવ અંતર્ગત સાયબર સેલે સપાટો બોલાવીને એકસાથે 70 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ મોટી કાર્યવાહીને પગલે સાયબર માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
એકસાથે 40 ઓનલાઇન ઠગાઈના કેસ નોંધાયા
મળતી માહિતી અનુસાર, સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓનલાઇન આર્થિક ચીટિંગના મામલાઓમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચોંકાવનારી કડીઓ મળતા પોલીસે એકસાથે ઓનલાઇન ઠગાઈના 40 ગુનાઓ દાખલ કર્યા હતા. આ તમામ ગુનાઓની કડીઓ જે બેંક ખાતાઓ સાથે જોડાયેલી હતી, તેના આધારે પોલીસે ઓપરેશન આદરીને 70 આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા તમામ આરોપીઓને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે.
કમિશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આ તમામ આરોપીઓ સાયબર ગુના આચરતા મુખ્ય માફિયાઓને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા. સાયબર ગઠિયાઓ સામાન્ય લોકોને ઓનલાઈન છેતરીને જે રૂપિયા પડાવતા હતા, તે નાણાં ટ્રાન્સફર કરવા માટે આ ભાડે રાખેલા ખાતાઓનો (મ્યુલ એકાઉન્ટ્સ) ઉપયોગ કરતા હતા. આ ખાતાધારકોને તેના બદલામાં મોટું કમિશન મળતું હતું.
ખાતા આપનાર સાયબર માફિયાઓ સામે કડક પગલાં
સુરત પોલીસે હવે માત્ર મુખ્ય ઠગો જ નહીં, પણ ગુનાખોરીની કમાણી છુપાવવા માટે પોતાના બેંક એકાઉન્ટ અને વિગતો વેચનારા કે ભાડે આપનારા મધ્યસ્થીઓ સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનર કચેરી ખાતે લવાયેલા આ 70 આરોપીઓની આકરી પૂછપરછ થઈ રહી છે, જેમાં હજુ પણ અનેક મોટા ખુલાસા થવાની અને સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો - Surat News: બારડોલી બસ અકસ્માતના 6 મૃતકોની DNAથી ઓળખ થઈ