સુરત શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના સુરતના ડભોલી ગામ નજીકથી સામે આવી છે. ડભોલીના ગીચ અને ધમધમતા વિસ્તાર ગણાતા તુલસી ચોક પાસે આવેલા 'વિઆના કિડ્સ સ્ટોર' માં આજે અચાનક જ ભયાનક આગ ફાટી નીકળી હતી. પતરાના મોટા શેડ (ડોમ) માં બનેલી આ દુકાનમાં બાળકોના કપડાં, પ્લાસ્ટિકના રમકડાં જેવી જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ગરમીના લીધે વાયરિંગ શોર્ટ સર્કિટ થયાનું અનુમાન

પ્રાથમિક તબક્કે સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા મળતી માહિતી મુજબ, હાલ શહેરમાં અસહ્ય ગરમી પડી રહી છે. આ કાળઝાળ ગરમીના કારણે દુકાનની અંદરના ઇલેક્ટ્રિક વાયરિંગ ઓવરહીટ થઈ ગયા હતા અને તેમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં તણખા ઝર્યા હતા, જેણે જોતજોતામાં આખા પતરાના ડોમને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. દુકાનમાંથી ધુમાડાના કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઊંચે સુધી ઉડતા દેખાતા આસપાસના રહીશો અને અન્ય વેપારીઓ જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા અને અફરાતફરી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

ઘટના અંગે સ્થાનિક નાગરિકો દ્વારા તાત્કાલિક સુરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. કંડિશનની ગંભીરતાને જોતા નજીકના સ્ટેશન પરથી ફાયર ફાઇટરોની ગાડીઓ અને જવાનોનો કાફલો મિનિટોની અંદર જ તુલસી ચોક ખાતે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી દીધી હતી અને ટૂંક જ સમયમાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિ દાઝી હોવાના સમાચાર નથી, પરંતુ દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો:Ahmedabad: સાબરમતી જેલના અધિકારીની ખોટી ઓળખ આપી સંબંધીના પેરોલ માટે 45000 પડાવ્યા