સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સમાજમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી આ ઘટનામાં એક મૂક-બધિર (બહેરા-મૂંગા) યુવતીને ડરાવી-ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી અભિષેકકુમાર મોતીલાલ શાહને દબોચી લીધો છે.
યુવતીને ડરાવી-ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી અભિષેકે ભોગ બનનાર મૂક-બધિર યુવતીના કેટલાક ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા કે અન્ય જગ્યાએ વાયરલ કરવાની ધમકી આપી તે યુવતીને માનસિક રીતે ટોર્ચર કરતો હતો. પોતાની લાચારી અને સમાજમાં બદનામીના ડરના કારણે યુવતી કશું બોલી શકી નહોતી, જેનો ફાયદો ઉઠાવી આરોપીએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.










