શહેરમાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના અડાજણ વિસ્તારની જે.એચ.બી. સરદાર સ્કૂલમાં સામે આવી હતી. બાકી ફીના મુદ્દે શાળા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસતા અટકાવવાના અમાનવીય નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલે વાલીઓની રજૂઆત બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા કડક કાર્યવાહી કરી શાળાને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
સ્કૂલની દાદાગીરી સામે DEOની લાલ આંખ
મળતી માહિતી મુજબ, અડાજણ સ્થિત જે.એચ.બી. સરદાર સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓની ફી બાકી હોવાના કારણે શાળાએ તેમને પરીક્ષા આપવા દીધી ન હતી. પરીક્ષાના સમયે જ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતો આ નિર્ણય વાલીઓ માટે આઘાતજનક હતો. આ અન્યાય સામે વાલીઓએ એકત્ર થઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી.
