ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને અન્ય રાજ્યોમાંથી ભાગી સુરતમાં આશરો લેતા બદમાશો પર સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સતત કાળ બનીને ત્રાટકી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને એક ઓપરેશનમાં મોટી સફળતા હાથ લાગી છે. મધ્ય પ્રદેશના દેવાસમાં થયેલી ચકચારી ગેંગવોર અને મર્ડર કેસના મુખ્ય સૂત્રધાર અને શૂટરને સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યો છે.
પાંડેસરા SMC આવાસ પાસેથી દબોચાયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશનો એક ખતરનાક શાર્પ શૂટર સુરતના પાંડેસરા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરાના વડોદગામ પાસે આવેલા એસએમસી (SMC) આવાસ નજીક વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે ઘેરાબંધી કરીને ત્યાં આશરો લઈ રહેલા રાહુલ ઉર્ફે 'શૂટર' નામના આરોપીને દબોચી લીધો હતો.
MP ના દેવાસ ફાયરિંગ કેસમાં હતો ફરાર
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં થોડા સમય અગાઉ બે જૂથો વચ્ચે સામસામે ભયાનક ફાયરિંગ થયું હતું. આ હિંસક ગેંગવોરમાં એક વ્યક્તિની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ચકચારી હત્યાકાંડ અને ફાયરિંગના ગુનામાં રાહુલ મુખ્ય આરોપી હતો અને તે ઘટના બાદથી જ મધ્ય પ્રદેશ પોલીસને થાપ આપીને સુરતમાં આવીને છુપાઈ ગયો હતો.
અગાઉ પણ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે
ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે 'શૂટર' કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેનો લાંબો ગુનાહિત ઈતિહાસ છે. તે અગાઉ પણ ગેરકાયદેસર હથિયારો રાખવાના કેસ (આર્મ્સ એક્ટ) સહિત અનેક ગંભીર અને જીવલેણ હુમલાના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હાલ આરોપીની અટકાયત કરીને આ અંગે મધ્ય પ્રદેશ પોલીસને જાણ કરી દીધી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને આરોપીને મધ્ય પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Surat ઉધના મર્ડર કેસ: મહારાષ્ટ્રથી 3 રીઢા ગુનેગાર ઝડપાયા, 19 ગુનામાં સંડોવાયેલો કિશન સહિત 2 હજુ ફરાર