સુરત શહેરમાં આર્થિક ગુના આચરતી ટોળકીઓ હવે બેંકિંગ ક્ષેત્રની ખામીઓનો લાભ લઈને નવા-નવા કીમિયા અજમાવી રહી છે. સુરત શહેર ઇકો સેલ પોલીસે એક એવી જ શાતિર ગેંગના મુખ્ય સાગરીતને દબોચી લીધો છે, જેણે બોગસ NRI એકાઉન્ટ્સ ઉભા કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી લીધી હતી. પોલીસે આ મામલે સઘન તપાસ કરીને અઝમતસાહીદ ઇમ્તિયાઝ શેખ નામના આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
શું છે સમગ્ર મ્યુલ એકાઉન્ટ કૌભાંડ?
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર કૌભાંડ મ્યુલ એકાઉન્ટ (Mule Account - અન્ય વ્યક્તિના નામે ખોલાવેલું ગેરકાયદેસર ખાતું) ના આધારે આચરવામાં આવ્યું હતું. આરોપી અઝમતસાહીદ શેખે સુરત અને આસપાસના વિસ્તારના નિર્દોષ જમીન માલિકોને વિશ્વાસમાં લઈને અથવા તેમના ઓળખપત્રો મેળવીને યસ બેંકની અંકલેશ્વર શાખામાં બોગસ NRI એકાઉન્ટ્સ ખોલાવી દીધા હતા. આ ખાતાઓનો ઉપયોગ કાળું નાણું ફેરવવા અને છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો.
4.81 કરોડના ચેકમાંથી2.95 કરોડ બારોબાર સેરવી લીધા
આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે ફરિયાદીના નામે ઇસ્યુ થયેલા ₹4.81 કરોડથી વધુની રકમના ચેક આ બોગસ ખાતાઓમાં જમા કરાવી દેવામાં આવ્યા હતા. આરોપી અઝમતસાહીદ અને તેની ટોળકીએ આ કુલ રકમમાંથી ₹2.95 કરોડ જેટલી માતબર રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન અને ઉપાડ દ્વારા બારોબાર સેરવી લીધી હતી અને ફરિયાદી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી.
દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ
ફરિયાદ મળતા જ સુરત ઇકો પોલીસે બેંક સ્ટેટમેન્ટ્સ અને કેવાયસી (KYC) દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં તમામ કડીઓ અઝમતસાહીદ શેખ તરફ જતી હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ફ્રોડમાં બેંકના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ, તેમજ આ રીતે બીજા કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Anand: વડોદ ગામ પાસે નકલી ખાતરનું કારખાનું ઝડપાયું, SOG અને કૃષિ વિભાગની સંયુક્ત કાર્યવાહી