સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં સુમન શાળાના નિર્માણને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. ટેકનિકલ અને ભૌગોલિક કારણોસર અટવાયેલો આ પ્રોજેક્ટ હવે નવા લોકેશન સાથે આગળ વધશે. અગાઉ આ શાળા TP-50 માં બનાવવાનું આયોજન હતું, પરંતુ હવે તે TP-35 (કતારગામ) ના ફાઈનલ પ્લોટ નંબર-123 ઉપર બનાવવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે.

ધારાસભ્યની રજૂઆત અને લોકેશનમાં ફેરફાર

આ શાળાના લોકેશન અંગે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. જનહિત અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને રાખીને શાળાને TP-50 ને બદલે TP-35 માં ખસેડવાની માંગણી સ્વીકારવામાં આવી છે. આ નિર્ણયને પગલે પાલિકા દ્વારા અગાઉ મુલતવી રાખેલી દરખાસ્ત ફરીથી રજૂ કરવામાં આવી છે.

બિલ્ડર અને 90 લાખના કામનો વિવાદ

આ પ્રોજેક્ટમાં સૌથી મોટો વિવાદ ત્યારે સર્જાયો હતો જ્યારે ઈજારદાર ગૌરવ બિલ્ડર્સે સત્તાવાર મંજૂરી મળે તે પહેલા જ અંદાજે 90 લાખ રૂપિયાનું કામ કરી દીધું હતું. આ બાબતે ભાજપના જ કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, હવે ઝોન દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો છે અને તે જ બિલ્ડરને કામગીરી સોંપવાની દિશામાં પાલિકા આગળ વધી રહી છે.

સ્થાયી સમિતિ લેશે આખરી નિર્ણય

વિવાદ ઉકેલવા માટે પાલિકાએ હકારાત્મક વલણ અપનાવ્યું છે. હવે આ દરખાસ્ત પર સ્થાયી સમિતિ (Standing Committee) દ્વારા આખરી મહોર મારવામાં આવશે. આ નિર્ણય બાદ કતારગામના સેંકડો વિદ્યાર્થીઓને નજીકના વિસ્તારમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાની સુવિધા પ્રાપ્ત થશે.

આ પણ વાંચો: Surat: મોડી રાત્રે પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા પોલીસનો કાફલો ખડકાયો