સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પટકાયેલા પરિવારના મામલામાં વધુ એક કરુણ સમાચાર સામે આવ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 32 વર્ષીય મહિલા રેહાના શેખનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સાથે જ પિતા, પુત્રી અને હવે માતા એમ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, રેહાનાબેનના મોત બાદ તેમના પરિવારે હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
સુરત બ્રિજ અકસ્માત
મૃતક રેહાનાબાનુના સંબંધી શરીફ મલિકે અઠવા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ રેહાનાબેનને ગંભીર હાલતમાં મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલના તબીબોએ દર્દીની ગંભીર સ્થિતિ જોવા છતાં સારવાર શરૂ કરતા પહેલા રૂ. ૨.૫ લાખની માંગણી કરી હતી.
ગોલ્ડન અવર્સની ગાઈડલાઈનનો ભંગ
મેડિકલ પ્રોટોકોલ મુજબ, અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં પ્રથમ કલાક એટલે કે **'ગોલ્ડન અવર્સ'**માં દર્દીને કોઈપણ નાણાકીય અપેક્ષા વગર તાત્કાલિક સારવાર આપવી અનિવાર્ય છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલે સારવાર શરૂ કરવામાં કલાકોનો વિલંબ કર્યો.પરિવારે તાત્કાલિક ૧.૫ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા.રૂપિયા જમા કર્યા હોવા છતાં, તબીબી સ્ટાફે પૂરતી તત્પરતા દાખવી ન હતી.
પરિવારની ન્યાયની માંગ
રેહાનાબેનનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે જો હોસ્પિટલે પૈસાની લાલચ છોડીને સમયસર સારવાર આપી હોત, તો કદાચ પરિવારની એક સભ્યને બચાવી શકાઈ હોત. હાલમાં અઠવા પોલીસે આ મામલે લેખિત અરજી સ્વીકારી છે અને તબીબી બેદરકારી અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: મહેમદાવાદના હળદરવાસની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, 5 શહેરોની ફાયર ટીમ ઘટનાસ્થળે