સ્માર્ટ સિટી સુરતના વેલંજા વિસ્તારમાં શિક્ષણ તંત્રની એક શરમજનક તસવીર સામે આવી છે. અહીં સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સરકારી શાળાનું નવું અને આધુનિક મકાન છેલ્લા દોઢ મહિનાથી બનીને તૈયાર છે, પરંતુ માત્ર નેતાઓ દ્વારા લોકાર્પણની રાહમાં આ ભવ્ય ઈમારતને તાળા મારેલા છે. બીજી તરફ, માસૂમ વિદ્યાર્થીઓ બાજુમાં જ આવેલી 30 વર્ષ જૂની અને અત્યંત જર્જરિત ઈમારતમાં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.
જર્જરિત મકાન અને ભયનો માહોલ
સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે વેલંજાની આ શાળાની મુલાકાત લીધી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. શાળાનું જૂનું મકાન 30 વર્ષ જૂનું છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી હાલતમાં છે. અહીં ધોરણ 1 થી 5 માં 639 બાળકો અને ધોરણ 6 થી 8 માં 397 બાળકો મળીને કુલ 1000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છત પરથી પોપડા ઉખડતા હોવા છતાં બાળકો અહીં બેસવા મજબૂર છે.










