સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેફામ રીતે દોડતી કારના ચાલકે એક વોચમેનને અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મિલના ગેટ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

પાંડેસરામાં અકસ્માતમાં એકનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, એક બુલેરો કારના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારીને મિલના ગેટ પાસે બેઠેલા એક વોચમેનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, વોચમેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ભયંકર ટક્કરની અસર એટલી પ્રબળ હતી કે મિલના ગેટનો મુખ્ય પિલર પણ તૂટીને પડી ગયો હતો.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક વોચમેનના મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બેફામ કાર હંકારીને નિર્દોષ વ્યક્તિનો જીવ લેનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે, જેમાં કારચાલક કોણ હતો અને અકસ્માત કયા સંજોગોમાં થયો તેની વિગતો મેળવવામાં આવી રહી છે.

 આ પણ વાંચો: દાંતા સરકારી હોસ્પિટલ બીમાર હાલતમાં, ECG મશીન બે માસથી બંધ, દર્દીઓ ખાનગી હોસ્પિટલના ધક્કા ખાવા મજબૂર