શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલ ભરીમાતા રોડ પર એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પુત્રીને હેરાન કરવાના મુદ્દે ઉશ્કેરાયેલા સસરાએ પોતાના જ જમાઈ પર ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. ચોકબજાર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા સસરાની ધરપકડ કરી છે.
સુરતમાં જમાઇની હત્યા કરનાર સસરાની ધરપકડ
બનાવની વિગતો મુજબ, ચોકબજાર ભરીમાતા રોડ, નહેરૂનગરમાં રહેતા નજીઉલ્લા મુસ્તાકીમ શાહની પુત્રીના લગ્ન બે વર્ષ પૂર્વે ઉત્તર પ્રદેશના રસુલપુરમાં રહેતા સલમાન સફીક અહેમદ શાહ સાથે થયા હતા. સલમાન તેની પત્ની સાથે લગભગ ત્રણ મહિના પહેલા સુરત આવીને સસરાના ઘરની બાજુમાં જ રહેતો હતો અને કલરકામ કરીને ગુજરાન ચલાવતો હતો.
પોલીસે સસરા નજીઉલ્લા શાહને ઝડપી પાડ્યો
ગત ૨૧મી નવેમ્બરના રોજ સલમાન અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ બાબતની જાણ થતાં સસરા નજીઉલ્લા શાહ ઉશ્કેરાયા હતા અને જમાઈ સલમાનને ઠપકો આપ્યો હતો કે, “તું મારી દીકરીને કેમ હેરાન કરે છે?” આ વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા, સસરા નજીઉલ્લા શાહે અચાનક ચપ્પુ લાવીને જમાઈ સલમાન શાહની છાતી પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે સલમાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
છોકરી સાથે અવાર નવાર ઝગડો કરતો
મૃતક સલમાન શાહના કાકા તોસીફ શેખે આ સમગ્ર મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નજીઉલ્લા શાહ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારા સસરા નજીઉલ્લા શાહની ધરપકડ કરી છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પારિવારિક કંકાસમાં પુત્રએ પિતાની કરી હત્યા, હત્યારા પુત્ર હર્ષ વ્યાસની ધરપકડ