સુરતના પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં હનીટ્રેપ ગેંગનો આતંક સામે આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી, ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતી ગેંગના 5 સભ્યોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળકીમાં 3 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.
હનીટ્રેપ ગેંગનો આતંક સામે આવ્યો
આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે પોતાનું નેટવર્ક ચલાવતી હતી. પહેલા મહિલાઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલી વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવવામાં આવતી હતી. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ મહિલા સાથે હોય, ત્યારે ગેંગના અન્ય પુરુષ સભ્યો 'નકલી પોલીસ' બનીને ત્રાટકતા હતા. તેઓ ભોગ બનનારને ડરાવી-ધમકાવીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા.
માર મારીને 5 લાખ પડાવ્યા
તાજેતરની ઘટનામાં, આ ગેંગે એક વ્યક્તિનો વાંધાજનક વીડિયો ઉતારી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. બદનામીના ડર અને પોલીસ કેસની બીક બતાવી આ ગેંગે ભોગ બનનાર પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે, ભોગ બનનારે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી
સુરત પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી 2 મહિલા અને 3 પુરુષોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અગાઉ પણ અન્ય લોકોને શિકાર બનાવ્યા હોઈ શકે છે. હાલમાં પોલીસ આ ટોળકીના ભૂતકાળના ગુનાઓની કડીઓ મેળવી રહી છે.
આ પણ વાંચો: Vapi: ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ, 30થી વધુ ગોડાઉનો ઝપેટમાં