સુરતના ઓલપાડ તાલુકાના તેના ગામે પત્રકારત્વના નામે તોડબાજી કરવાનું એક શરમજનક કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેજ ચલાવીને લોકો પાસેથી પરાણે પૈસા પડાવતા બે કથિત પત્રકારોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.


શું હતી સમગ્ર ઘટના?

આરોપીઓ 'ગુજરાત અસ્મિતા' નામે સોશિયલ મીડિયા પર ન્યૂઝ પેજ ચલાવતા હતા. તેમણે ફરિયાદીનો કોઈ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તે બદલ મોટી રકમની ખંડણી માંગી હતી. ફરિયાદીને સતત ધાકધમકી આપીને આ તોડબાઝોએ તેમની પાસેથી રૂ.10,000 પડાવી લીધા હતા. અંતે, કંટાળીને ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઓલપાડ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. 

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

પોલીસે સુભાષ પટેલ અને યગ્નેશ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર સચિન પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે. નોંધનીય છે કે સચિન પટેલ સામે અગાઉ પણ ખંડણી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસની આ કાર્યવાહીથી પત્રકારત્વના નામે તોડબાજી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ પત્રકાર બનીને ડરાવી-ધમકાવી પૈસાની માંગણી કરે, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: