ગુજરાતમાં તાજેતરમાં જ ઠાકોર સમાજ દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. સમાજના આ બંધારણમાં અનેક પ્રકારના કુરિવાજોનો અંત લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ રબારી સમાજ દ્વારા પણ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો બંધ કરવા નિર્ણય લેવાયો હતો અને આગામી સમયમાં સમાજના સંમેલનમાં બંધારણ ઘડવા તૈયારી દર્શાવાઈ હતી. ત્યારે હવે પાટીદાર સમાજને બંધારણ ઘડવા માટે સાંસદ રૂપાલાએ આકરી ટકોર કરી છે.
આપણે તો હજી વિચારણા પણ શરૂ નથી કરી
રાજકોટના ભાજપના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ કડવી વાસ્તવિકતા વર્ણવી બંધારણ ઘડવા પર ભાર મુક્યો હતો. તેમણે સુરતમાં યોજાયેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના સંમેલનમાં સમાજના આગેવાનોને આકરી ટકોર કરી હતી. રૂપાલાએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણે ભવનો બનાવવાના છે અને સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાનું છે. તેમણે સમાજને સવાલ કર્યો હતો કે આપણે કોઈ નિયમો રાખ્યા છે આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે ચાલવું છે? આપણે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે અન્ય સમાજો આપણા કરતાં આગળ થઈ ગયાં છે. પાંચ પચીસ વર્ષ પહેલા એવું હતું કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજા સમાજ એને ફોલો કરતાં. આજે બીજા સમાજે નિર્ણય કરી નાંખ્યા પણ આપણે તો હજી વિચારણા પણ શરૂ નથી કરી.













