સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓમાં ચાલતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામે પાલિકા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. વરાછા ઝોન દ્વારા ગંગેશ્વર સોસાયટીમાં લાંબા સમયથી ચાલતી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ટિવિટીઝ પર ત્રાટકીને દુકાનો, ગોડાઉન અને એક નર્સરીને સીલ મારી દેવામાં આવ્યા છે.


સ્થાનિકોની ફરિયાદ બાદ એક્શન

ગંગેશ્વર સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી કે રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીં મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ કામગીરી અને ગોડાઉન ચાલી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હતી. આ ફરિયાદને આધારે વરાછા ઝોનના અધિકારીઓએ સ્થળ તપાસ કરી તાત્કાલિક અસરથી સીલિંગની કામગીરી હાથ ધરી હતી.

નર્સરીની મંજૂરી સામે સવાલ

આ કાર્યવાહી દરમિયાન 'કિંગ પ્લે નર્સરી' સહિતના એકમોને સીલ કરવામાં આવ્યા છે. જોકે, આ નર્સરી સીલ થતાં તંત્રની કામગીરી અને નીતિઓ સામે અનેક સવાલો ઊભા થયા છે, જો આ નર્સરી ગેરકાયદેસર રીતે ચાલતી હતી, તો તેને અત્યાર સુધી મંજૂરી કોણે આપી? રહેણાંક વિસ્તારમાં શૈક્ષણિક પ્રવૃત્તિ માટેના નિયમોનું ઉલ્લંઘન કોની રહેમનજર હેઠળ થયું? હવે સૌની નજર શિક્ષણ વિભાગ પર છે. નર્સરી જેવી શૈક્ષણિક સંસ્થાઓ સામેના આ કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) આગામી સમયમાં શું પગલાં લે છે અને જવાબદાર અધિકારીઓ સામે તપાસ થશે કે નહીં, તે જોવું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: