સુરતના લિંબાયત વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવનારા અસામાજિક તત્વોની શાન આજે લિંબાયત પોલીસે ઠેકાણે લાવી છે. રુસ્તમ પાર્કમાં રહેતા યુવકના ઘરમાં ઘૂસી હુમલો કરનાર અને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ગુંડાઓનું પોલીસે એ જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.

સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવનારા અસામાજિક તત્વો

લિંબાયતના રુસ્તમ પાર્કમાં રહેતા ફૈઝાન ઉર્ફે ડમો નામના યુવક સાથે આરોપીઓને જૂની અદાવત હતી. આ અદાવતનો બદલો લેવા માટે અસામાજિક તત્વોએ ફૈઝાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કર્યો હતો.

‘ફરિયાદ કરી તો ખતમ કરી નાખીશું’

હુમલાખોરોએ એટલી હદે હિંમત બતાવી હતી કે, ઘરમાં ઘૂસીને માર માર્યા બાદ ચપ્પુ બતાવીને ધમકી આપી હતી કે: "ઘરમાં ઘૂસીને માર્યો છે, જો પોલીસમાં ફરિયાદ કરી તો ખતમ કરી નાખીશું." આ ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ગુંડાઓ લોકોના ઘરમાં ઘૂસીને ડરાવતા

ભયનું વાતાવરણ ઉભું કરનારા આ તત્વો સામે લિંબાયત પોલીસે લાલ આંખ કરી હતી. આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પોલીસે રુસ્તમ પાર્ક સોસાયટી અને આસપાસના રસ્તાઓ પર તેમનું સરઘસ કાઢ્યું હતું. જે ગુંડાઓ લોકોના ઘરમાં ઘૂસીને ડરાવતા હતા, તેમને જ પોલીસના જાપતા વચ્ચે જાહેરમાં જોઈ લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો હતો.

આ પણ વાંચો: Aravalli: ગુજરાતના રાજકારણમાં વધુ એક IPSની એન્ટ્રી, નિવૃત્ત અધિકારી મનોજ નિનામા આજે ધારણ કરશે કેસરીયો