ગુજરાતના લાખો યુવાનો જે પરીક્ષાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે GPSC પ્રિલિમનરી પરીક્ષાનું આજે રાજ્યભરમાં સવારથી આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહત્વના વહીવટી પદો પર ભરતી માટે લેવાતી આ પરીક્ષા સુરત શહેરમાં પણ વ્યાપક સ્તરે યોજાઈ રહી છે. સુરત જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગના સંકલન હેઠળ પરીક્ષા પ્રક્રિયાને અત્યંત ગંભીરતાથી હેન્ડલ કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે પેપર લીકેજ જેવી અફવાઓને સ્થાન ન રહે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ફ્લાઇંગ સ્ક્વોડ એક્શનમાં
સુરત શહેરમાં નોંધાયેલા 7,103 ઉમેદવારો કોઈપણ અડચણ વિના પરીક્ષા આપી શકે તે માટે શહેરની 30 અગ્રણી શાળાઓની કેન્દ્ર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓના ૨૯૬ બ્લોકમાં ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોમાં સ્માર્ટવોચ, મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન કોઈપણ બ્લોકમાં કોપી કેસ અથવા ગેરરીતિ ન થાય તે માટે ખાસ નિરીક્ષકોની ટીમ તૈનાત કરાઈ છે. તેમજ સંવેદનશીલ કેન્દ્રો પર સરપ્રાઈઝ ચેકિંગ માટે એએમસી (AMC) અને શિક્ષણ વિભાગની સંયુક્ત ‘ફ્લાઇંગ સ્ક્વોડ’ (ઉડતી ટુકડી) ને પણ સતત પેટ્રોલિંગમાં રાખવામાં આવી છે.










