સોનાની મુરત ગણાતું સુરત શહેર આવતીકાલે ઇતિહાસનું એક નવું સોનેરી પાનું લખવા જઈ રહ્યું છે.આજે શુક્રવારે આયોજિત ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે સુરત દુલ્હનની જેમ સજજ થયું છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીમંડળની ઉપસ્થિતિમાં આ મહોત્સવ સુરતના આંગણે રાજ્યની અસ્મિતાને નવી ઓળખ આપશે.
વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પોલીસ પરેડ
ગુજરાતના સ્થાપના પર્વની ઉજવણીનો શંખનાદ સાંજે 5 કલાકે વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની ગગનભેદી પોલીસ પરેડથી થશે. અશ્વદળના રસાલા અને પાઈપ બેન્ડના લયબદ્ધ સૂરો વચ્ચે મહાનુભાવોનું આગમન થશે. આ પરેડ માત્ર શિસ્તનું પ્રદર્શન નહીં, પણ ગુજરાતના શૌર્યની પ્રતીતિ હશે. પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ અને ખાસ કરીને મહિલા પોલીસ દળના સાંસ્કૃતિક કૌશલ્ય સાથે યુવાનીમાં રોમાંચ જગાવતા સાહસિક મોટરસાઈકલ સ્ટંટ શો આકર્ષણનું કેન્દ્ર બનશે. ત્યારબાદ સંધ્યાકાળે ડુમસનો દરિયાકિનારો ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ થીમ પર યોજાનારી સાંસ્કૃતિક મેગા ઇવેન્ટનો સાક્ષી બનશે.













