સુરત શહેરમાં રાત્રિના સમયે નબીરાઓ દ્વારા બેફામ ગાડીઓ હંકારવાનો અને અકસ્માતો સર્જવાનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઇસ્કોન મોલની બિલકુલ નજીક એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હવામાં ઉછાળ્યો હતો. આ ભયાનક ટક્કરના કારણે એક્ટિવા સવાર રોડ પર પછાડાતા તેને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો છે.

કારમાંથી દારૂની બોટલો મળી આવતા હોબાળો

અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જો કે, લોકો એકઠા થાય તે પહેલા જ અકસ્માત સર્જનાર કાર ચાલક પોતાની ગાડી અધવચ્ચે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ જ્યારે કારની અંદર તપાસ કરી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. કારની અંદરથી વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ કાર ચાલક સંપૂર્ણપણે દારૂના નશામાં (Drink and Drive) ધૂત હતો અને નશાના કારણે જ તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત નડ્યો હતો.

કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ તપાસ શરૂ

સુરતના પોશ અને કડક પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે ડ્રિંક એન્ડ ડ્રાઇવની આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. લોકોએ ફરાર નબીરા સામે કડકમાં કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કારમાંથી મળેલ દારૂનો જથ્થો અને કારને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો:Surat: વરાછા ખાંડ બજારમાં 4 શ્રમિકોના મોત છતાં પોલીસે માત્ર 'અકસ્માત મોત'નો ગુનો નોંધી સંતોષ માન્યો