સુરતના વરાછા સ્થિત ખાંડ બજાર વિસ્તારમાં આવેલી રતીહ જ્વેલર્સમાં બનેલી ગેસ ગૂંગળામણની ઘટનાએ સુરત શહેરને હચમચાવી દીધું છે. ETP ટેન્કની સફાઈ કરવા ઉતરેલા ૪ શ્રમિકોના ઝેરી ગેસના કારણે કરૂણ મોત નીપજ્યા બાદ અપેક્ષા હતી કે પોલીસ અને વહીવટી તંત્ર કડક હાથે કામ લેશે. પરંતુ, આ ઘટનાના ૨૪ કલાક બાદ પણ સુરત પોલીસની જે કામગીરી સામે આવી છે, તેનાથી મૃતકોના પરિવારો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે આટલી મોટી બેદરકારી સામે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધીને સંતોષ માની લીધો છે.
ગંભીર કલમો લગાવવામાં પોલીસ પાછીપાની કેમ કરે છે?
સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ફેક્ટરી કે પેઢીમાં સેફ્ટીના સાધનો વગર મજૂરોને મોતના મોંમાં ધકેલી દેવાયા, છતાં પોલીસ દ્વારા આ ગુનામાં કોઈ ગંભીર કલમો (જેવી કે આઇપીસી/બીએનએસ હેઠળ સાપરાધ મનુષ્યવધ કે બેદરકારીથી મોત) કેમ લગાવાઈ નથી? અત્યાર સુધી કંપનીના માલિક વિરૂદ્ધ પણ કોઈ કાયદેસરની કડક ફરિયાદ નોંધવામાં આવી નથી. સામાન્ય રીતે આવી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં માલિકો સામે તાત્કાલિક પગલાં લેવાતા હોય છે, ત્યારે આ કેસમાં પોલીસની ઢીલી નીતિ શંકાના દાયરામાં છે.










