શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. રોડ ક્રોસ કરી રહેલી બે મહિલાઓને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા એક આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઝેબરા ક્રોસિંગ પર કાળ આંબી ગયો
મળતી માહિતી મુજબ, 52 વર્ષીય વંદનાબેન મરાઠે પોતાના ઘરે જમવા આવેલી પોતાની બહેનને વળાવવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન નવાગામ ડીંડોલી પાસેના માર્ગ પર તેઓ જ્યારે ઝેબરા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી વંદનાબેન અને તેમની સાથેની અન્ય એક મહિલાને જોરદાર ટક્કર મારી હતી.
પરિવારનો આધાર છીનવાયો
આ અકસ્માત એટલો ગંભીર હતો કે વંદનાબેન મરાઠેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વંદનાબેન પોતે મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેઓ સંપૂર્ણપણે નિરાધાર બની ગયા છે. એક બહેનને વળાવવા જતી વખતે બનેલી આ ઘટનાએ સમગ્ર પરિવારને ગમગીનીમાં ડૂબાડી દીધો છે.
પોલીસની તપાસ અને CCTV ફૂટેજ
અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ચાઈનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર, ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ