સુરત ગ્રામ્ય વિસ્તારમાં ડેટિંગ એપ્લિકેશન દ્વારા હનીટ્રેપ રચી લોકોને બ્લેકમેલ કરતી એક ખતરનાક ગેંગને બારડોલી રૂરલ પોલીસ અને એલસીબીએ ઝડપી પાડી છે. મોતા ગામની રાધાકૃષ્ણ સોસાયટીમાં એક યુવાનને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

ડેટિંગ એપથી જાળ બિછાવી નકલી પોલીસ બની માર માર્યો

ઘટનાની વિગત મુજબ, આ ગેંગ 'કયુક કયુક' (QuackQuack) જેવી ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી યુવાનોને સોશિયલ મીડિયા પર પોતાની જાળમાં ફસાવતી હતી. ફરિયાદીના ભાઈને આ ગેંગની મહિલાઓએ મોતા ગામે રાધાકૃષ્ણ સોસાયટીના એક મકાનમાં મળવા બોલાવ્યો હતો. યુવાન જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ પૂર્વયોજિત કાવતરા મુજબ અન્ય ચાર શખ્સો ત્યાં ધસી આવ્યા હતા.આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને યુવાનને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે, "તું અહીં મહિલા સાથે શું કરે છે? તારા પર બળાત્કારનો કેસ દાખલ કરી જેલમાં મોકલી આપીશું." યુવાન ગભરાઈ જતાં આરોપીઓએ કેસ પતાવવાના બદલામાં ₹2.50 લાખની માંગણી કરી હતી.

પોલીસે બે મહિલા સહિત 6 આરોપીઓને દબોચ્યા

ભોગ બનનારના પરિવારે હિંમત બતાવી પોલીસનો સંપર્ક સાધતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે છટકું ગોઠવી બે મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ એક સંગઠિત ટોળકી તરીકે કામ કરતી હતી, જેમાં મહિલાઓ શિકાર શોધતી અને પુરુષો નકલી પોલીસ બનીને તોડ કરતા હતા.

એક દિવસના રિમાન્ડ મંજૂર, વધુ તપાસ શરૂ

બારડોલી કોર્ટ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે આ ગેંગે અગાઉ પણ અનેક લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોઈ શકે છે. બદનામીના ડરે અનેક લોકો ફરિયાદ કરવા આગળ આવતા નથી, ત્યારે પોલીસ હવે આરોપીઓના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે અન્ય ભોગ બનનારાઓની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: દાંડા ગામે જમવા બાબતના ઝઘડામાં મિત્રની હત્યા, અકસ્માત મોતનો કેસ હત્યામાં પલટાયો