સુરતના ડભોલી વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને પથ્થર હૃદયના માનવીનું કાળજું પણ કંપી ઉઠે. એક માતાએ પોતાની બે માસૂમ દીકરીઓને ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ કરુણ ઘટનામાં માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે બંને દીકરીઓ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
બપોરે સાથે જમ્યા અને બાદમાં ખેલ ખેલાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, ડભોલી વિસ્તારમાં રહેતા આ પરિવારે બપોરે સાથે બેસીને ભોજન લીધું હતું. ભોજન બાદ અચાનક પરિસ્થિતિ વણસી હતી. માતાએ પોતાની બંને દીકરીઓને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ ઝેર પી લીધું હતું. આ આત્મઘાતી પગલું ભરતા પહેલા મહિલાએ તેના પતિને ફોન કરીને કહ્યું હતું કે, "મારે હવે જીવવું નથી."
હોસ્પિટલમાં માતાનું મોત, દીકરીઓ ગંભીર
ઘટનાની જાણ થતા જ ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ માતાનું કરુણ મોત નીપજ્યું છે. બીજી તરફ, બંને માસૂમ દીકરીઓની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ ડોક્ટરોની સખત દેખરેખ હેઠળ સારવાર લઈ રહી છે.
ઘરકંકાસ જવાબદાર હોવાની આશંકા
પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મઘાતી પગલા પાછળ ઘરકંકાસ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, કયા કારણોસર આટલો મોટો વિવાદ થયો કે માતાએ પોતાની દીકરીઓનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, તે દિશામાં સિંગણપોર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારના સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Gir Somnath: વેરાવળ ભાજપમાં અસંતોષની જ્વાળા, ટિકિટ વિતરણ બાદ પક્ષના અગ્રણી નેતાઓ અને સમાજના આગેવાનોમાં ભારે રોષ