લોકસભા કે સ્થાનિક ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે ગીર સોમનાથ જિલ્લા ભાજપમાં આંતરિક કલહ અને જૂથબંધીનો મામલો વધુ ગરમાયો છે. વેરાવળ ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પક્ષનો આંતરિક અસંતોષ હવે જાહેરમાં જોવા મળી રહ્યો છે. અગ્રણી નેતાઓની સૂચક ગેરહાજરી અને મંચ પરથી અપાયેલા કડક સંદેશાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
મોટા નેતાઓની ગેરહાજરી ચર્ચાનો વિષય
વેરાવળમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એવી અપેક્ષા હતી કે તમામ અગ્રણીઓ એક મંચ પર દેખાશે. પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ રહી. ટિકિટ વિતરણ બાદ ઉભો થયેલો અસંતોષ એટલી હદે વકર્યો છે કે પક્ષના અનેક મોટા નેતાઓ અને વિવિધ સમાજના આગેવાનોએ આ કાર્યક્રમથી અંતર જાળવી રાખ્યું હતું. ખાલી ખુરશીઓ અને અગ્રણીઓની ગેરહાજરી કાર્યકરોમાં પણ ચર્ચાનો વિષય બની હતી.
