વલસાડ જિલ્લાના વાપીમાં સર્કિટ હાઉસ નજીક ચાલી રહેલી બ્રિજની કામગીરી દરમિયાન એક ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી. બ્રિજના પિલર માટે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન અચાનક ભૂસ્ખલન થતાં બે વ્યક્તિઓ માટીના ઢગલા નીચે દબાઈ ગયા હતા. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ભૂસ્ખલનથી મચી દોડધામ

પ્રાપ્ત વિગતો અનુસાર, વાપી સર્કિટ હાઉસ પાસે નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શ્રમિકો જ્યારે પિલર માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઉપરથી માટીની ભેખડ ધસી પડી હતી. સેકન્ડોના ભાગમાં બનેલી આ ઘટનામાં બે વ્યક્તિઓ માટી નીચે દટાઈ ગયા હતા. અચાનક સર્જાયેલી આ સ્થિતિને પગલે સાઈટ પર કામ કરતા અન્ય મજૂરો અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.

સ્થાનિકોની સમયસૂચકતાથી બચ્યા જીવ

ઘટના બનતા જ આસપાસના લોકો અને સાથી મજૂરો મદદે દોડી આવ્યા હતા. જેસીબી કે અન્ય મશીનરીની રાહ જોયા વગર જ લોકોએ તાત્કાલિક માટી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ભારે જહેમત બાદ બંને ઈજાગ્રસ્તોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Surat: વીમા પોલિસીના નામે 11 લાખની છેતરપિંડી કરનાર ત્રિપુટી દિલ્હી અને ગોવાથી ઝડપાઈ