દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સુરત સહિત નવસારીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક મોટા ગ્રુપ પર આયકર વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ

મળતી માહિતી અનુસાર, સુરતના એક નામાંકિત રિયલ એસ્ટેટ ગ્રુપ દ્વારા મોટા પાયે કરચોરી કરવામાં આવી હોવાની આશંકાના આધારે આયકર વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓની ટીમે વહેલી સવારથી જ આ ગ્રુપના મુખ્ય કાર્યાલયો અને રહેઠાણના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસમાં ગ્રુપ સાથે સંકળાયેલા બ્રોકરો (દલાલો) ને ત્યાં પણ રેડ કરવામાં આવી છે.

નવસારીમાં 3 સ્થળોએ તપાસ

નવસારી શહેરમાં આ સુરત સ્થિત ગ્રુપનો મોટો કારોબાર હોવાનું સામે આવ્યું છે. નવસારીમાં કુલ 3 અલગ-અલગ સ્થળોએ આયકર વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હિસાબી દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને બેંક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

બેનામી વ્યવહારો ખુલવાની શક્યતા

આયકર વિભાગની આ મોટી કાર્યવાહીમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને ટેક્સ ચોરી પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 2-3 દિવસ સુધી આ તપાસ ચાલી શકે છે. હાલમાં તપાસ ચાલુ હોવાથી અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આ રેડને કારણે સુરત અને નવસારીના બિલ્ડર જગતમાં ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો - Suratના લિંબાયતમાં ACB ટ્રેપનો કેસ, પોલીસે મિલકતદારોની વન-બાય-વન પૂછપરછ કરી શરૂ, જુઓ Video