સુરત જિલ્લાના કામરેજ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં ચાલતી અનધિકૃત પ્રવૃત્તિઓ અને નિયમોના ઉલ્લંઘન સામે કામરેજ પોલીસે લાલ આંખ કરી છે. સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા એક સાથે 20 જેટલા ફાર્મ હાઉસ પર આકસ્મિક રેડ કરવામાં આવતા ફાર્મ હાઉસના માલિકો અને સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને ચાલતા આ તમામ ફાર્મ હાઉસ વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાડા કરાર વગર ધમધમતા હતા ફાર્મ હાઉસ
ઘટનાની મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસને બાતમી મળી હતી કે, સુરતના આ પ્રખ્યાત વીકેન્ડ સ્પોટ ગણાતા વિસ્તારોમાં આવેલા અનેક ફાર્મ હાઉસો વહીવટી તંત્રના નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવી રહ્યા છે. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સરકાર દ્વારા ફાર્મ હાઉસ ભાડે આપતી વખતે યોગ્ય ભાડા કરાર અને સ્થાનિક પોલીસ મથકમાં તેની જાણ કરવી અનિવાર્ય છે. જોકે, આ 20 જેટલા ફાર્મ હાઉસમાં કોઈપણ પ્રકારના ભાડા કરાર કે જરૂરી દસ્તાવેજો વિના જ લોકોને એન્ટ્રી આપવામાં આવતી હતી, જે સીધો સરકારી જાહેરનામાનો ભંગ હતો.
