સુરતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં પતંગની ઘાતક દોરીના કારણે એક આખો પરિવાર કાળનો કોળિયો બની ગયો છે. સુરતના એક બ્રિજ પરથી પસાર થઈ રહેલા દંપતી અને તેમની પુત્રીના ગળામાં અચાનક પતંગની તીક્ષ્ણ દોરી આવી ગઈ હતી. દોરીના કારણે વાહન પરથી કાબૂ ગુમાવતા પતિ, પત્ની અને પુત્રી ત્રણેય બ્રિજ પરથી આશરે 70 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા. આ ભયાનક અકસ્માતમાં પતિ અને માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બ્રિજ પર કાળ બનીને આવી દોરી

આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 32 વર્ષીય પત્ની રેહાના શેખને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઊંચાઈ પરથી પટકાવાને કારણે લાગેલી ગંભીર ઇજાઓ સામે લડતા રેહાનાએ પણ આજે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આમ, પતંગની માત્ર એક દોરીએ પતિ, પત્ની અને પુત્રી - ત્રણેયના જીવ લીધા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ચાલતી જોખમી પતંગબાજી અને વાહનચાલકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે.