સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં શહેરના કુબેરજી માર્કેટના પાંચ પ્રતિષ્ઠિત વેપારીઓ સાથે હૈદરાબાદના ગઠિયાઓએ રૂપિયા 1.82 કરોડની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીઓએ મહીધરપુરા પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા છે.
હૈદરાબાદના ગઠિયાઓએ છેતરપિંડી આચરી
મળતી માહિતી મુજબ, હૈદરાબાદથી આવેલા ઠગોએ સુરતના આ વેપારીઓ સાથે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે વેપાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં આ ઠગોએ ઉધાર કાપડનો જથ્થો ખરીદ્યો અને તેનું પેમેન્ટ સમયસર ચુકવી દીધું હતું. પેમેન્ટ સમયસર મળતું હોવાથી વેપારીઓને તેમના પર ભરોસો બેસી ગયો હતો. આ વિશ્વાસનો જ લાભ લઈને ઠગોએ મોટો ખેલ પાડ્યો હતો.
