સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર લોહિયાળ ખેલ ખેલાયો છે. જૂની અદાવતને રાખીને એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સરેઆમ ચાકુ અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યારાઓ નાસી છૂટ્યા હતા.

કુહાડી અને ચાકુના ઘા ઝીંકી પતાવી દીધો

ઘટનાની મળતી માહિતી અનુસાર, લિંબાયત વિસ્તારમાં રહેતા આસિફ પઠાણ નામના યુવક પર જૂની અદાવતને લઈ કેટલાક ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક આસિફ પર ચાકુ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસિફ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

હોસ્પિટલમાં દમ તોડ્યો

હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા આસિફ પઠાણને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. લિંબાયત પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જૂની અદાવત પાછળનું મુખ્ય કારણ શું હતું, અને આ હુમલામાં કેટલા લોકો સામેલ હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. 


આ પણ વાંચો - Surat News: ઓલપાડના સિવાણ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, SOG પોલીસે ક્લિનિક પર દરોડા પાડી સાધનો જપ્ત કર્યા