સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા સુરત પોલીસ હવે સફાળી જાગી છે. લિંબાયતમાં ટૂંકા ગાળામાં ત્રણ-ત્રણ હત્યાઓ અને અનેક મારામારીની ઘટનાઓ બનતા પોલીસ કમિશનરની સૂચનાથી વિસ્તારમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
JCP-1 ના નેતૃત્વમાં 200 પોલીસ જવાનો તૈનાત
લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો ખોફ દૂર કરવા અને શાંતિ જાળવવા માટે JCP-1 ની સીધી દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 200થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા છે. પોલીસના આ કાફલાએ લિંબાયતના સંવેદનશીલ વિસ્તારોમાં ઘૂસીને ગુનેગારોનું શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો છે.
25-25 જવાનોની અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન
કોમ્બિંગને વધુ અસરકારક બનાવવા માટે પોલીસ દ્વારા 25-25 જવાનોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ વિસ્તારના ખૂણેખૂણામાં જઈને શંકાસ્પદ શખ્સો, અગાઉના ગુનેગારો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા સખ્ત સૂચના
સતત વધતી હત્યાની ઘટનાઓને પગલે પોલીસ એક્શન મોડમાં આવી છે. JCP-1 દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, લિંબાયતમાં કાયદો વ્યવસ્થા સાથે ચેડા કરનારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે, જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવી શકે.
આ પણ વાંચો - Surat News: લિંબાયતમાં જૂની અદાવતે યુવકની કરપીણ હત્યા, ચાકુ અને કુહાડીના ઘા ઝીંકી હત્યારાઓ ફરાર!