સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભોરીયા ગામના સીમ વિસ્તારમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વલવાડાથી ભોરીયા તરફ જતા રોડ પર એક પટેલ પરિવાર પોતાના ખેતરેથી કામ પતાવી મોટર સાયકલ પર સવાર થઈ પરત ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક અર્ટિગા ફોરવીલ કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.


એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં માતમ

આ દુર્ઘટનામાં ભોરીયા ગામના રહેવાસી આશિષભાઈ પટેલ, તેમના પત્ની પારૂલબેન અને પરિવારના અન્ય સભ્ય ઉષાબેન પટેલનું અવસાન થયું છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના અકાળે મોત થતા ભોરીયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માતમાં 7 વર્ષનો માસૂમ બાળક વેદ આશિષભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અર્ટિગા કાર ચાલક પણ ઈજાગ્રસ્ત, પોલીસ તપાસ શરૂ

બાઈકને અડફેટે લેનાર અર્ટિગા કારના ચાલકને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાત્રિના અંધારામાં સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ કાફલાએ પણ તાત્કાલિક પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ભોરીયા ગામે શોકની લહેર

મોતને ભેટનાર દંપતી અને પરિવારના સભ્યના સમાચાર મળતા જ ભોરીયા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ખેતરેથી સુરક્ષિત ઘરે પહોંચવાની અપેક્ષા રાખતા પરિવારને રસ્તામાં જ કાળ આંબી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકની તબિયત સુધારા પર રહે તે માટે ગ્રામજનો પ્રાર્થના કરી રહ્યા છે.


આ પણ વાંચો - Surat:ઉધના સ્ટેશન પર ગતરોજની ભીડ બાદ આજે સ્થિતિ સામાન્ય,વ્યવસ્થાઓના અભાવે યુપી-બિહાર તરફ દોટ


  • Follow us on: