સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ગત રાત્રે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રિના સમયે લાગેલી આ ભીષણ આગમાં ઇન્ડસ્ટ્રીમાં રહેલા કિંમતી ડિજિટલ મશીનો અને કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.
સારોલીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીમાં મધરાતે ભીષણ આગ
સારોલીની અંબિકા ઇન્ડસ્ટ્રીમાં રાત્રિના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખી ઇન્ડસ્ટ્રીને લપેટમાં લઈ લીધી હતી. બનાવની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની અલગ-અલગ સ્ટેશનની કુલ ૯ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવ્યો હતો અને આશરે અઢી કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
