સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ચૂંટણી ક્યારે યોજાશે તેની અટકળો વચ્ચે પાલિકા તંત્રએ પોતાની વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ તૈયારીઓના ભાગરૂપે આવતીકાલે સુરત મનપાની અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

માત્ર 20 વાંધા સૂચનોથી આશ્ચર્ય

સામાન્ય રીતે મતદારયાદીમાં સુધારા-વધારા વખતે મોટી સંખ્યામાં રજૂઆતો આવતી હોય છે, પરંતુ આ વખતે તંત્રને માત્ર 20 જેટલા વાંધા સૂચનો જ મળ્યા છે. જેમાં મુખ્યત્વે મતદારોના બૂથ બદલાયા હોવાની અથવા વોર્ડમાં ફેરફાર થયાની ફરિયાદો જોવા મળી છે. લાખો મતદારો ધરાવતા સુરત જેવા શહેરમાં આટલી ઓછી સંખ્યામાં રજૂઆતો આવતા તંત્રમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

ચૂંટણી માટે તંત્ર સજ્જ

પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર ચૂંટણી લક્ષી તમામ કામગીરીમાં સજ્જ છે. અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી પંચ ગમે ત્યારે તારીખોનું એલાન કરી શકે તેવી શક્યતાઓને જોતા અધિકારીઓ એલર્ટ મોડ પર છે.

આ પણ વાંચો: Vav Tharad News: નાણી ગામ ખાતેથી 19800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે, PM મોદી સભા સંબોધશે