સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી તંત્રની નૈતિકતા સામે સવાલો ઉઠાવતો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે. નાસિર નગરમાં થોડા દિવસો પૂર્વે કોઈ પણ સત્તાવાર પૂર્વ નોટિસ આપ્યા વિના રાતોરાત 100થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલેશનને પગલે સેંકડો પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ મામલે સ્થાનિકો દ્વારા એવો સણસણતો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, બાજુમાં જ બની રહેલા એક મોટા બિલ્ડિંગ પ્રોજેક્ટના બિલ્ડરને મોટો અને આલીશાન રસ્તો આપવા માટે મનપાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ બિલ્ડરના ઈશારે આ કૃત્ય કર્યું છે. હવે આ મામલે આરટીઆઈ (RTI) અને સ્થાનિક તપાસમાં જે ખુલાસો થયો છે, તેનાથી સુરત મનપાના અધિકારીઓ ડિફેન્સિવ મોડમાં આવી ગયા છે.


બિલ્ડરનું બાંધકામ જ ગેરકાયદેસર હોવાનો ધડાકો

ચોંકાવનારી વિગત એ છે કે, જે બિલ્ડરને રસ્તો આપવાના નામે ગરીબોના ઘર તોડી પાડવામાં આવ્યા, તેના પોતાના પ્રોજેક્ટની પ્લાન મંજૂરી કે કન્સ્ટ્રક્શન પરમિશન જ નથી! નિયમો મુજબ મંજૂરી ન હોવા છતાં, બિલ્ડરે મનપાની નાક નીચે બેઝમેન્ટ (ભોંયતળિયું) સુધીનું મોટું બાંધકામ પણ કરી લીધું હતું. આટલું મોટું બાંધકામ થઈ ગયું ત્યાં સુધી મનપાની ટાઉન પ્લાનિંગ (TP) શાખા અને સ્થાનિક ઝોનના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરીને બેઠા હતા, તે સૌથી મોટો સવાલ છે.

તંત્રની શંકાસ્પદ ચુપકીદી અને 'મેનેજ' થયેલી નોટિસ

જ્યારે આ મામલો મીડિયામાં ગાજ્યો અને સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો, ત્યારે આબરૂ બચાવવા માટે સુરત મનપાએ બિલ્ડરને એક નોટિસ ફટકારી છે. પરંતુ આ નોટિસ પણ માત્ર આંખમાં ધૂળ નાખવા બરાબર છે. નોટિસમાં મંજૂરી વગર બાંધકામ કરવા બદલ બિલ્ડિંગ સીલ કરવા કે તોડી પાડવાનો કોઈ ઉલ્લેખ નથી, બલ્કે માત્ર ખોદકામ કરેલા બેઝમેન્ટનું 'પુરાણ' (માટી પૂરી દેવી) કરી દેવા માટેની હળવી સૂચના આપવામાં આવી છે. આ નરમ વલણ જ સાબિત કરે છે કે અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે અંદરખાને મોટો ખેલ ખેલાયો છે.

આખરે 100 મકાનો તોડ્યા કોણે?

સૌથી મોટો કાયદાકીય સવાલ એ ઊભો થયો છે કે, મનપા સત્તાવાર રીતે સ્વીકારવા તૈયાર નથી કે આ ડિમોલેશન તેમણે કર્યું છે, અને બિલ્ડર પણ આ વાત નકારી રહ્યો છે. તો પછી પોલીસ બંદોબસ્ત કે જેસીબી લાવીને ૧૦૦થી વધુ મકાનો કોની સત્તા હેઠળ તોડી પાડવામાં આવ્યા? આ જમીનદોસ્ત થયેલા મકાનો પાછળ કયું મોટું માફિયા નેટવર્ક કામ કરી રહ્યું છે તે હજી પણ એક વણઉકેલાયેલું રહસ્ય છે. આ સમગ્ર અન્યાય સામે આખરે પીડિત પરિવારોએ એક થઈને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને જવાબદાર અધિકારીઓ અને બિલ્ડર સામે કડક પગલાં લેવાની તેમજ નુકસાનીના વળતરની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bhavnagar: કાળિયાબીડમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓનું વાહન ચેકિંગ, 22 વાહનચાલકો દંડાયા


  • Follow us on: