સુરત શહેરના હાઇ-પ્રોફાઇલ વેસુ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કારસામાં સંડોવાયેલા કુખ્યાત જમીન માફિયા વિનુ માલવિયાની સુરત ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે. વિનુ માલવિયા સામે અગાઉ પણ જમીન કૌભાંડોના અનેક કેસો નોંધાયેલા છે, અને તેની ધરપકડથી શહેરના જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કરોડોનું કૌભાંડ અને મોડસ ઓપરેન્ડી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વિનુ માલવિયાએ વેસુ વિસ્તારની અંદાજે 300 કરોડ રૂપિયાની કિંમતી જમીન હડપવા માટે અત્યંત શાતિર રીતે દસ્તાવેજો બનાવ્યા હતા. આ મહાઠગે જૂની તારીખના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, તેણે એક જ સ્ટેમ્પ પેપરનો બે અલગ-અલગ જગ્યાએ ઉપયોગ કરીને કાયદેસરની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો

પકડાયેલા આરોપી વિનુ માલવિયાનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. તેની સામે સુરતના વિવિધ પોલીસ મથકોમાં જમીન છેતરપિંડી અને કૌભાંડોના 12 થી વધુ ગુના નોંધાયેલા છે. લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા વિનુને પકડવા માટે ઇકો સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

આ પણ વાંચો: Jasdan: શિવરાજપુરમાં નજીવી બાબતે આધેડની હત્યા, CCTV ફૂટેજ આવ્યા સામે