શહેરમાં સરકારી નોકરીના નામે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતની પ્રતિષ્ઠિત ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) કંપનીમાં નોકરી અપાવવાના બહાને કતારગામના એક દંપતીએ ફરિયાદી પાસેથી રૂપિયા 32 લાખ પડાવી લઈને છેતરપિંડી આચરી છે. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફરિયાદી નકલી આઈડી કાર્ડ સાથે કંપનીના ગેટ પર પહોંચ્યો હતો.
નકલી આઈડી કાર્ડ અને જોઈનિંગ લેટર આપ્યા
મળતી માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતા નિર્મલ અને કિંજલ ધાનાણી નામના દંપતીએ ફરિયાદીને ONGCમાં ઊંચા પગારની નોકરી અપાવવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે આ દંપતીએ ફરિયાદીને કંપનીના લેટરપેડ જેવા જ દેખાતા બોગસ જોઈનિંગ લેટર અને આઈડી કાર્ડ પણ બનાવી આપ્યા હતા. આ તમામ દસ્તાવેજો માટે ટુકડે-ટુકડે કુલ 32 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
કંપનીના ગેટ પર ભાંડો ફૂટ્યો
ફરિયાદી જ્યારે પોતાનું નવું આઈડી કાર્ડ લઈને ONGC કંપનીના ગેટ પર નોકરી પર હાજર થવા પહોંચ્યો, ત્યારે સિક્યુરિટી ચેકિંગ દરમિયાન સુરક્ષા કર્મચારીઓને આઈડી કાર્ડ પર શંકા ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે આ આઈડી કાર્ડ નકલી છે અને કંપની દ્વારા આવો કોઈ જોઈનિંગ લેટર ઈશ્યૂ કરવામાં આવ્યો નથી. ગેટ પર જ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પોલીસ કાર્યવાહી
આ મામલે ફરિયાદીએ તાત્કાલિક રાંદેર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. રાંદેર પોલીસે નિર્મલ ધાનાણી અને તેની પત્ની કિંજલ ધાનાણી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દંપતીએ અન્ય કેટલા લોકોને આ પ્રકારે નોકરીની લાલચ આપી શિકાર બનાવ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: રાજ્યભરમાં આજે PSI ભરતીની લેખિત પરીક્ષા, 858 જગ્યાઓ માટે 1.10 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી