સામાન્ય રીતે મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન પર બસ પહોંચાડે છે. જોકે, સ્માર્ટ સિટી સુરતમાં આનાથી ઊલટું જોવા મળ્યું હતું. જેમાં મુસાફરો બસને તેના ગંતવ્ય સ્થાન પર ધક્કો મારીને મૂકવા ગયા હતા. 'સ્માર્ટ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં સાર્વજનિક પરિવહન સેવા એટલે કે સિટી બસની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. સુરતની શાન ગણાતી સિટી બસો હવે રસ્તા પર દોડવાને બદલે હાંફી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તાજેતરમાં બનેલી એક ઘટનામાં ચાલુ બસે દગો દેતા મુસાફરોને બસમાંથી ઉતરીને તેને ધક્કો મારવાની નોબત આવી હતી.
બેજવાબદાર તંત્ર, મુસાફરો પરેશાન
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના એક વ્યસ્ત માર્ગ પર સિટી બસ અચાનક બંધ પડી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને મંજિલ સુધી પહોંચવાની ઉતાવળ હતી, પરંતુ એન્જિન ખોટકાતા બસ આગળ વધી શકી ન હતી. આખરે મુસાફરોએ જ જવાબદારી ઉપાડી બસને ધક્કો લગાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો સુરત મનપા શાસકોની ટીકા કરી રહ્યા છે. 'સ્માર્ટ સિટી'માં આવી ખખડધજ બસો જોઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ચેરમેનનો લૂલો બચાવ
નોંધનીય છે કે, અગાઉ સુરત ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન પણ જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે કે, નવી બસોનો કાફલો હજુ સુધી આવ્યો નથી, જેના કારણે જૂની અને ખખડધજ બસો ચલાવવી મજબૂરી બની છે. હવે સવાલ એ થાય છે કે, કરોડોના ટેક્સ ભરતા સુરતીઓએ ક્યાં સુધી આવી જોખમી અને બિસ્માર બસોમાં મુસાફરી કરવી પડશે? વારંવાર બંધ પડતી આ બસોને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.









